દરેક વ્યક્તિને પૂર્વ જનમોના કર્મને આધીન મનુષ્ય અવતાર મળે છે.માનવ જીવન એ એક સુંદર યાત્રા છે, જે જન્મથી મૃત્યુ સુધીની એક અર્થપૂર્ણ સફર છે. “માનવ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે” એ આપણને જીવનની વાસ્તવિકતા બતાવે છે. માનવ જ્યારે જન્મે છે ત્યારે તેના હાથે કશુંય નથી હોતું – ન સંપત્તિ, ન માન-સન્માન, ન જ્ઞાન.અને જ્યારે એ દુનિયાને અલવિદા કહે છે, ત્યારે પણ એ સાથે કંઈ લઈ જઈ શકતું નથી.માનવના હાથમાં સમય અને સંજોગોની સમજ છે, તેનો યોગ્ય ઉપયોગ કરી જીવનને અર્થસભર બનાવવો એ જ સાચો ધર્મ છે. ભવિષ્યની ચિંતા કરતાં વર્તમાનને સારા કાર્યમાં લગાવવું એ જ માર્ગ છે, જેના દ્વારા ખાલી હાથે આવનાર માનવ કોઈ મૂલ્યવાન સંસ્મરણો અને સંસ્કારોથી ભરેલો થઇ શકે છે.
માનવનો જન્મ અને મૃત્યુ બંને ખાલી હાથે થાય છે, પરંતુ મધ્યનો સમય કેવી રીતે જીવ્યો તે મહત્વનો છે. એટલે જ જીવનને એવું જીવવું જોઈએ કે જતા વખતે પાછળથી શ્રદ્ધાંજલિ મળે અને યાદગાર બની જાઓ.આ વાક્ય આપણને જીવંત ઉદાહરણ આપે છે કે ભૌતિક જગતમાં આપણે કેટલીય વસ્તુઓ મેળવે છીએ જેમ કે ઘર, ગાડી, દોલત, સત્તા, પરંતુ આ બધું માત્ર આ જગતમાં રહેવા માટે છે.જીવનના અંતે એ બધું અહીં જ રહી જાય છે.માનવ જીવનનું સત્ય એ છે કે આપણે અહીંથી કશું લઈ જઈ શકતા નથી. જે કંઈ આપણું સાચું છે, એ છે આપણું કર્મ,આપણું પવિત્ર મન અને આપણે કરેલા સારા કાર્યો.ૐ શ્રી હરી….